આત્મદર્શન

(સાદર ઋણસ્વીકાર : મારુતિમાંથી)

ખોડભાઈ પટેલ, આમ તો સાધારણ સ્થિતિના માણસ. પણ અમદાવાદમાં કામનો વસવાટ કરવાના આશયથી ગામનું એક ખેતર વેચી ગૃહમંડળીના સભ્ય થયા. મકાન તૈયાર થયું તે ગાળામાં ખેતી છોડી આવી શકાય તેમ ન હતું. એટલે મકાન ભાડે આપ્યું. બે-ત્રણ ચોમાસા નિષ્ફળ ગયાં એટલે કંટાળીને અમદાવાદવાળા મકાનમાં રહેવા આવી સ્થાયી થવાનો નિર્ણય કર્યો, પણ ભાડવાતે દાદ ન દીધી મકાનનો કબજો લેવા કોર્ટમાં જવું પડ્યું. કોર્ટ ભાડવાતની મુશ્કેલી સમજી મકાન ખાલી કરવા માટે બે વરસનો સમય આપ્યો. પટેલે ભાડાનું મકાન રાખી શાકભાજીનો નાનો ધંધો શરૂ કર્યો. ભાડવાત સાયકલના વેપારી હતા. આવેલ તકનો લાભ લેવા છેલ્લા એક વરસનું ભાડુ આપ્યું નહિ અને જ્યારે મકાન ખાલી કરવાનો ટાઇમ આવ્યો ત્યારે પટેલ પાસે પહોંચ માગી કે, ભાડુ ચુક્તે મળ્યાની પહોંચ આપો. એક વરસનું ભાડુ મળશે નહિ. પહોંચ મળ્યા પછી કબજો આપીશ. લાચારીના માર્યા પટેલે સમય પારખી પહોંચ લખી આપી. પોતાના ઘરમાં રહેવા આવ્યા પછી તેમના પુત્રની સગાઈના દિવસે પટેલે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી. પટેલે પેલા ભાડવાતને પણ આમત્રંણ મોકલ્યું.

કથાના દિવસે સાંજે કથા ચાલતી હતી ત્યાં પેલા વેપારી પણ આવી પહોંચ્યા. કથા સાંભળી. આરતી, પ્રસાદ લીધા પછી તેમણે ભગવાનને વિનમ્રભાવે પ્રમાણ કરી સવા પાંચ રૂપિયા ભેટ ધર્યા. પ્રસાદ લઈ બધા વિખરાયા ત્યાં સુધી બેઠા અને બધાના ગયા પછી પટેલના હાથમાં એક કવર મૂક્યું. પટેલે ક્વર ખોલ્યું અને જોયું તો તેમાં પૂરાં પંદરસો રૂપિયાની નોટો હતી. પટેલ તેમના તરફ આશ્ચર્યચક્તિ થઈ તાકી રહ્યા. તેમણે પૂછ્યું, ‘‘આપે આ શાના પૈસા આપ્યા?’’

વેપારીએ કહ્યું ‘‘ભાઈ, તમારું એક વરસનું ભાડું બાકી હતું તેની તમારી પાસેથી પહોંચ લઈને ઘેર ગયા પછી મારા મનમાં અનેક વિચારો આવ્યા. તમારા ઘરમાં રહેવા આવેલો તે દિવસો યાદ આવ્યા. શરૂઆતમાં વેપારમાં પણ કસ ન હતો. કટોકટીના દિવસો હતા. ઉઘાર આપેલા માલના નાણા પાંછા મળતા ન હતા. ત્યાર પછી સમય બદલાયો વેપાર સારી રીતે ચાલવા માંડ્યો. ઉઘરાણી પણ આવવા લાગી. થોડીઘણી મૂડી પણ ભેગી કરી શક્યો. આ રીતે તડકા-છાંયાના ગણા દિવસો તમારા ઘરમાં જોયા છે. મારા નિત્યનિયમ મૂજબ દરરોજ રાત્રે સૂતી વખતે થોડાક સમય હું સાંતચિત્તે બેસી વિચારું છે કે આજે મે શું સારું કર્યું અને શું ખોટું કર્યું? દિવસ દરમિયાન કરેલ કાર્યોનો વિચાર કરવાની ટેવને લીધે ઘણી વાર સારા-નરસાનો વિચાર કરતાં ખોટું કરતાં અટકી ગયો છું. તમારી પાસેથી પહોંચ લઈ ઘેર ગયા પછી આખી રાત ઊંઘ આવી નહિ. તમારા પંદરસો રૂપિયા દબાવવાથી મને શું મોટો ફાયદો થવાનો? એક બાજુ પેસા અને બીજી બાજુ ઈશ્વરની અકૃપા. અંતરાત્માના આદેશે મને ચેતવ્યો. જે ઘરમાં સુખી થયો તે ઘરના માલિકને કદી નુકસાન કરવું નહિ તેવો સંકલ્પ દૃઢ થયો. પરંતુ શરમને લીધે આવી શકોતો ન હતો. આજે તમારા પુત્રની સગાઈના પ્રસંગે રાખેલ સત્યનારાણયની કથાનું આમંત્રણ મળતાં અહીં આવી શક્યો છું. આ પંદરસો રૂપિયા તમારા બાકી નીકળતા ભાડાના નહિ આપેલા તે આપું છું. તમારી જરૂરિયાતના સમયે તમને આપી ન શક્યો તે માટે માફી ચાહું છું. પેલા વેપારી સામે જોઈ પટેલ વિચારી રહ્યાઃ આ તે સ્વપ્ન કે સત્ય?

ગૂગલની દશાબ્દી


(સાદર ઋણસ્વીકાર : વિશ્વવિહારમાંથી)


કમ્પ્યૂટર-ઇન્ટરનેટની દુનિયામાં ગૂગલ (Google) શબ્દથી સહુ કોઈ પરિચિત હોય છે; તે એક્ત્ર કરેલ અનેક માહિતીઓમાંથી તમને જરૂરી માહિતી સરળતાથી તમારી સમક્ષ લાવી શકાય તે માટેનું એક સર્ચ-એન્જિન છે. કમ્પ્યૂટર-ઇન્ટરનેટની દુનિયામાં અવનવા અનેક શબ્દો ઉપયોગમાં આવે છે. E-MAIL, WEB PAGE, WWW (World Wide Web), YAHOO.COM, HOTMAIL.COM, GLUBBLE.COM YOUTUBE, BLOG, VLOG વગરે અનેક સામાન્ય માણસને ન સમજાય તેવા શબ્દો ઉપયોગમાં આવે છે. અત્રે તે બધાની ચર્ચા કરવી નથી. તે પૈકીનો એક શબ્દ Google (ગૂગલ) છે, આ ગૂગલ શું છે? તેની ઉપયોગિતા શું છે?

Google શબ્દ તો અત્યંત પ્રચલિત થયો છે; પરંતુ હકીકતમાં તેનો જન્મ ખોટા સ્પેલિંગ રૂપે થયો છે. તેનો ખરો સ્પેલિંગ googol હોવો જોઈતો હતો. Googol એટલે ૧૦૧૦૦ અર્થાત્ એકડાની પાછલ સો શૂન્યો લગાવતાં બનતી સંખ્યા છે; પરંતુ તે અપભ્રંશ થઈ ક્રિયાપદ ‘google’ રૂપે ૨૦૦૬માં ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્ષનેરી અને મેરિયમ વેબ્સ્ટર કોલેજિયેટ ડિક્ષનેરીમાં સમાવેશ પામી ગયો. ડિક્ષનેરી મુજબ googleનો અર્થ થાય છે ‘ઇન્ટરનેટ પર માહિતી મેળવવા Google સર્ચ-એન્જિનનો ઉપયોગ કરવો તે.’
Googleની શરૂઆત ૧૯૯૬ના જાન્યુઆરીમાં લારી પેજ નામના કેલિફોર્નિયામાં આવેલી સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીના પીએચ.ડી.ના વિદ્યાર્થીની સંશોધન પરિયોજના રૂપે થઈ. તેની સાથે બીજા એક પીએચ.ડી.ના વિદ્યાર્થી સર્ગે બ્રિન જોડાયેલા. તેમનો સંશોધનનો હેતું વધારે સારું સર્ચ-એન્જિન શોધવાનો હતો. આરંભમાં તે સર્ચ-એન્જિનનું હુલામણું નામ ‘BACKRUB’ હતું.

તે યંત્રણાને આંશિક વર્ણવતી પેટન્ટ સપ્ટેમ્બર ૪, ૨૦૦૧માં સ્ટેન્ફોર્ડ યુનિવર્સિટીને આપવામાં આવી. તેના શોધક તરીકે લોરેન્સ પેજનું નામ આપવામાં આવ્યું. ઇન્ટરનેટના જગતમાં google.comના પ્રભાવક્ષેત્ર (domain)નું  સપ્ટેમ્બર ૧૫, ૧૯૯૭ના રજિસ્ટ્રેશન કરવામાં આવેલું. તેની કંપની Google Inc. સપ્ટેમ્બર ૭, ૧૯૯૮માં કેલિફોર્નિયામાં મેન્લો પાર્ક ખાતે એક મિત્રના ગેરેજમાં સ્થાપિત કરવામાં આવી. આ સ્થાપનાની દશાબ્દી ગયા મહિને પૂરી થઈ.

ત્યાર પછી આ કંપની કૂદકે ને ભૂસકે આગળ વધતી ગઈ છે. આજે જાણે  ઇન્ટરનેટના જગતમાં તેનું એક સામ્રાજ્ય સ્થપાઈ ગયેલ છે. આરંભમાં આ કંપનીનું નાણાકીય રોકાણ ૧૧ લાખ ડોલર હતું. એક ગેરેજમાં સ્થપાયેલી આ કંપની વિશાળ સંકુલ કે જેનું નામGoogleplex છે, તેમાં સ્થાયી થઈ છે. આ સંકુલ ૨૦૦૬માં તેણે સિલિકોન ગ્રાફિક્સ પાસેથી ૩૧ કરોડ ૯૦ લાખ ડોલરમાં ખરીદી લીધું હતું.

Google સર્ચ-એન્જિનના સરળ પરિરૂપ અને ઉપયોગિતાને લીધે ઇન્ટરનેટનો ઉપયોગ કરનારા અસંખ્ય લોકો તેનો ઉપયોગ કરે છે. તેની આ સેવા ઉપયોગ કરનારાને વિના મૂલ્યે મળે છે; પરંતુ તેની આવક મુખ્યત્વે તે પેજ ખોલે છે તેમાં આસપાસ દેખાતી અનેક જાહેરાતોના કારણે છે. ૨૦૦૬ના નાણાકીય વર્ષમાં જાહેરાતોમાંથી તેને થયેલી આવક ૧૦.૪૯૨ અબજ ડોલર હતી. તે કંપનીના ૨૭ કરોડ ૧૦ લાખ શેર છે, તે પૈકી મોટાભાગના કંપની હસ્તક છે. તેના કર્મચારીઓ પણ તેમાં શેર ધરાવતા હોઈ કરોડપતિ થઈ ગયા છે. ઓક્ટોબર ૩૧, ૨૦૦૭ના રોજ શેરની કિંમત ૭૦૦ ડોલર હતી. તેના ઘણા dot-com પ્રતિસ્પર્ધીઓ નવી ઇન્ટરનેટ બજારમાં નિષ્ફળ ગયા છે, જ્યારે Googleનો પોતાનો મોભો અને પ્રતિષ્ઠા ઊંચે અને ઊંચે જતાં ગયાં છે અને તેની આવક પણ ઊંચે ને ઊંચે જતી ગઈ છે. આ ઉપરાંત તેણે અનેક ડેસ્કટોપ વિનિયોગ વિકસાવ્યા છે. તેના દ્વારા કંપની એક વટવૃક્ષ બની ગઈ છે. તેનો લોગો પણ વૈવિધ્યપૂર્ણ છે. તેનું પરિરૂપ રૂથ કેડરે તૈયાર કરેલ છે.

વળી આ લોગો પણ કંપનીનાં રૂપાંતરો અથવા કેટલાંક રમૂજી લક્ષણોને આમેજ કરે છે. આવા ફેરફારો રજાઓ, પ્રખ્યાત માણસોના જન્મદિવસો અને ઓલિમ્પિક રમતો જેવા ઉત્સવો કરે છે; પરંતુ સામાન્ય રીતે જે લોગો કમ્પ્યૂટરમાં તેની સાઇટ ખોલતાં કમ્પ્યૂટરના પડદે દેખાય છે તે Google છે, જેમાં ‘G’નો રંગ ભૂરો હોય છે. પ્રથમ ‘o’નો રંગ રાતો હોય છે. દ્વિતીય ‘o’નો રંગ પીળો હોય છે. ‘G’નો રંગ ભુરો હોય છે. ‘I’નો રંગ લીલો હોય છે. અને ‘e’નો રંગ રાતો હોય છે. તેની સાઇટ ખોલતાં રંગબેરંગી Googleનું પેજ દેખાય છે. તેમાં બતાવેલી જગ્યામાં કોઈ નામ ટાઇપ કરી સર્ચ પર કર્સર લઈ જઈ ક્લિક કરો એટલે તે નામ જેમાં હોય તે બધી વેબસાઇટની યાદી કમ્પ્યૂટરના પડદે દેખાશે. તે પૈકી જે વેબસાઇટની માહિતી તમારે જાણવી હોય તેના પર ક્લિક કરો એટલે તેનું વેબપેજ ખૂલી જશે અને તેની વિગતો કમ્પ્યૂટરના પડદે જોવા મળશે. Googleમાં અબજો વેબપેજની સૂચિ રહેલી છે. તે પૈકી કોઈ પણ વ્યક્તિ જે ઇચ્છે તે વેબપેજ ખોલી તેમાંની માહિતી મેળવી શકે છે. અલબત્ત એકી વખતે ૧૦૦૦ પરિણામો તે આપશે. આ રીતે તમે કોઈ વર્તમાનપત્ર, કોઈ સંસ્થા, કોઈ પ્રવાસધામો, સામયિકો, હોટલો, અજાયબીઓ, રોગો, દવાઓ વગેરેની અસંખ્ય માહિતી પૈકી જે જરૂર હોય તે માઉસને ક્લિક કરી કમ્પ્યૂટરના પડદે મેળવી શકો.

Google કંપની ઇન્ટરનેટ ક્ષેત્રે બીજી અનેકવિધ સેવા આપે છે. તે વેબ-આધારિત E-mail સેવા પણ આપે છે, જેને G-mail કહે છે, તેની મદદથી તમે E-mail સર્ચ કરી શકો છો.

આ ઉપરાંત ૨૦૦૬માં તેણે Google Video સેવા પણ શરૂ કરી છે. જે વિડિયો વિનામૂલ્યે ઇન્ટરનેટ પર પ્રાપ્ય હોય તેને શોધી અને જોઈ શકો છે.

Google દ્વારા કેટલાક ડેસ્કટોપ વિનિયોગ પણ વિકસાવ્યા છે. તેમાં Google Desktop, Picasa Sketch Up અને Google Earth છે. પૃથ્વીના મોટા ભાગના વિસ્તારો અને તે સ્થળોના હવાઈ અને ઉપગ્રહ તસવીરીકરણથી ચાલિત પારસ્પરિક કાર્યાન્વિત ‘મેપિંગ પ્રોગ્રામ’ છે. Google Earthના નકશા વિગતસભર અને ચોક્કસ હોય છે. ઘણાં મોટાં શહેરોના નકશામાં એટલું બધું વિગતસભર ચિત્રણ હોય છે કે તમે ઝૂમિંગ કરી વાહનોને પણ જોઈ શકો છો અને પગપાળા ચાલનારાને પણ જોઈ શકો છો. તેના કારણે ઘણા દેશોએ રાષ્ટ્રીય સુરક્ષા પર તેની અસરોના પ્રશ્નો ઉઠાવ્યા છે; કારણ કે તેમાં વેપારી અને વિનાસી ઇમારતો, રેલવે અને એરપોર્ટ જેવાં મહત્ત્વનાં સ્થળો, સંરક્ષણ-મથકો, સંશોધન-પ્રયોગશાળાઓ, મહત્ત્વનાં કારખાનાંઓ, સરકારી એકમો વગેરેને સ્પષ્ટ જોઈ શકાય છે. તમારું ઘર જોઈ શકાય છે. જો તમે બહુમાળી કમ્પ્લેક્સમાં રહેતા હો તો તે કમ્પ્લેક્સમાં તમારા ફલેટનું સ્થાન જોઈ શકાય છે.

તાજેતરમાં ૨૩મી સપ્ટેમ્બરના રોજ ગૂગલ ફોન એટલે G-phone બજારમાં મૂક્યો. ‘એપલ’ નામની કંપની i-phoneના પ્રતિસ્પર્ધી તરીકે તે બજારમાં આવ્યો છે. દરેક મોબાઇલ ફોન એટલે કે સેલફોન કોઈ ને કોઈ ઓપરેટિંગ સિસ્ટમથી કાર્યાન્વિત થતા હોય છે. ગૂગલે G-phone તરીકે જે સોફ્ટવેર વિકસિત કર્યો છે તેનું નામ ‘એન્ડ્રોઇડ’ છે. ગૂગલને આશા છે કે ‘એન્ડ્રોઇડ’ મોબાઇલ ફોન માટે મુખ્ય ઓપરેટિંગ સિસ્ટમ બની જશે. ઇન્ટરનેટનો કોઈ પણ હેન્ડસેટ પર ઉપયોગ કરવામાં તે ઝડપી અને ગુણવત્તા સુધારે તેવું તેનું પરિરૂર છે. તેનો વિનામૂલ્યે કોઈ પણ પ્રકારના મોબાઇલ ફોનમાં ઉપયોગ થઈ શકશે. આ સેવાના બદલામાં નાણાં લવાજમથી નહીં, પણ જાહેરાતોમાંથી મળશે. G-phoneનો બજારમાં પ્રવેશ i-phone અને Black Berry બન્નેને પડકારશે. અત્રે એ યાદ રહે કે હવે મોબાઇલ ફોનનું કમ્પ્યૂટરીકરણ થતું જાય છે.

ગૂગલે કેટલીક નાની કંપનીઓ ખરીદી લીધી છે. તેમાં ૨૦૦૪માં Earth Viewerને વિકસાવનારા Keyhole નામની કંપની છે. Earth Viewerનું નવું નામ Google Earth છે. ૨૦૦૬ના ફેબ્રુઆરીમાં ગૂગલે Adaptive Path નામની સોફ્ટવેર કંપનીનો સોફ્ટવેર Measure Map ખરીદ્યો. ૨૦૦૬ના અંતમાં વિડિયો સાઇટ You Tube ખરીદી લીધી છે. આ બહુ પ્રચલિત વિડિયોસાઇટ છે. અમદાવાદમાં ઘાટલોડિયામાં બે આખલા સામાસામે યુદ્ધે ચઢ્યા હતા ત્યારે એક યુવાને ડિજિટલ કેમેરાથી તે ફાઇટનું શુટિંગ કરી તરત તેને You Tube પર મૂકી હતી. વિશ્વમાં હજારો લોકોએ આ ફાઇટ જોઈ હતી. આવી રીતે જુદા જુદા લોકો વિડિયો ક્લિપિંગ You Tube પર મૂકતા રહે છે અને અનેક રસિયાઓ નિયમિત જોતા રહે છે. એક અંદાજ મુજબ દશ કરોડ ક્લિપિંગ લોકો You Tube પર જુએ છે.

આમ ગૂગલ કંપની પોતાના સોફ્ટવેર વિકસાવતી રહે છે, અપડેટ કરતી રહે છે, નવી કંપની અને નવા સોફ્ટવેર ખરીદતી રહે છે. ગૂગલે તેની દશાબ્દી નિમિત્તે એક કરોડ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે. કોઈની પાસે જગતમાં મોટું પરિવર્તન લાવી શકે તેવો વિચાર હોય તો તેને ફળીભૂત કરવા આ ભંડોળ મળશે. આ વિચાર ફલીભૂત થતાં તે સત્કર્મ કરશે અને અનેક લોકોને મદદરૂપ થયાનો સંતોષ અનુભવશે. એક ગેરેજમાં દશ વર્ષ પહેલાં શરૂ થયેલ આ કંપની અત્યંત વિસ્તાર પામી છે અને પામતી જાય છે.
-વિહારી છાયા

કંડારાયેલી કેડીઓની પેલે પાર

(સાદર ઋણસ્વીકાર : વિશ્વવિહારમાંથી)

અંગ્રેજી ભાષામાં ત્રણ કાવ્યસંગ્રહ આપનાર એક કવિ, માતૃભાષા પ્રત્યેની સાચી નિષ્ઠાથી ગુજરાતી સાહિત્યમાં રહેલાં ચીલાચાતુર (offbeat) કાવ્યોનો અંગ્રેજીમાં અનુવાદ કરવાનો એક યજ્ઞ આદરે છે. એ પોતે કવિ છે. સર્જનાત્મક અભિગમ માટે જાણીતા છે એટલે ગુજરાતી કાવ્ય-વિશ્વમાંથી ચીલાચાતરુ કાવ્યો (offbeat poems)ને પસંદ કરે છે અને વિશ્વસાહિત્યમાં ગુજરાતી કાવ્યોની એક વિશિષ્ટ છબી ઊભરી આવે તેવો પ્રયત્ન કરે છે. એ કવિ તે મેનેજમેન્ટના નિષ્ણાત શ્રી પ્રદીપ ખાંડવાલા. એ યોજના એટલે Beyond the Beaten Track નામનું ત્રણસો પૃષ્ઠનું હમણાં પ્રકાશિત થયેલું પુસ્તક. પોતાની સાહિત્યનિષ્ઠાથી ઉપર્યુક્ત આખી યોજના શ્રી ખાંડવાલા ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે પૂર્ણ કરે છે.

પ્રથમ દૃષ્ટિથી સરળ લાગતા આ પુસ્તકમાં એમણે જે જીવ રેડીને આ કામ કર્યું છે એ ઘટના સ્વયં દૃષ્ટાંતરૂપ છે. ગુજરાતી ભાષામાં પ્રતિ વર્ષ, લગભગ બે હજાર કાવ્યો પ્રગટ થાય છે. છેલ્લાં પચ્ચીસ વર્ષના વિવિધ સામયિકોમાં સંખ્યાબંધ કાવ્યો પ્રકાશિત થતાં આવ્યાં છે. પ્રદીપભાઈએ આશરે ચાર હજાર કાવ્યો વાંચ્યાં. તેમાંથી બસો જેટલાં કાવ્યો અલગ તારવ્યાં. નરસિંહ મહેતાથી એટલે કે ૧૫મી સાદીથી માંડી ૨૦૦૮માં કાવ્યસર્જન કરતા કવિઓની કવિતાઓનું પોતાના રસરુચિ, દૃષ્ટિકોણ અને સમજથી ચયન કર્યું. એ બસો કાવ્યોનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. પુસ્તકમાં એક તરફ મૂળ ગુજરાતી કાવ્યની સામે અંગ્રેજી અનુવાદ મૂક્યો. એ પહેલાં દરેક કવિનો, એટલે કે ૧૧૫થી વધુ કવિઓનો સંપર્ક કર્યો. એમને કાવ્યનો અનુવાદ મોકલ્યો. એમની પરવાનગી લીધી. દિવંગત કવિઓના વારસદાર જોડે સંપર્ક કરીને તેમની પરવાનગી લીધી. આને માટે પાંત્રીસેક બેઠકો કરી. આ કાર્યશિબિરમાં અમદાવાદસ્થિત કવિઓને બોલાવ્યા ને અનુવાદિત કાવ્યની ફેરતપાસ કરી.

મુખ્ય પદ્ધતિએ રહી કે પ્રથમ કવિ સ્વયં પોતાના કાવ્યનું પઠન કરે પછી પ્રદીપભાઈ અંગ્રેજી અનુવાદ વાંચે. ત્યાર બાદ કવિ કાવ્યની પહેલી પંક્તિ વાંચે, તરત પ્રદીપભાઈ એ પંક્તિનું ભાષાંતર વાંચે. ઉપસ્થિત કવિ અને બીજા કવિમિત્રો તે અંગે ચર્ચા કરે. અંગ્રેજી શબ્દોના વિકલ્પો શોધે. ફરી ફરીને તપાસ થાય, અંતે બધાનાં સંતોષ સાથે મઠારાયેલું કામ અંકે થાય અને કાવ્ય આગળ વધે. એક કવિના સંતોષ પછી બીજા કવિની કૃતિ લેવામાં આવે. આમ આ કાર્યશાળા ચાલે. આ પુસ્તકની સમગ્ર પ્રક્રિયા સ્વયં એક કાવ્ય જેવી લાગે છે. જોકે કોઈકે કહ્યું છે તેમ અનુવાદનું કામ અત્તરની એક બાટલીમાંથી બીજી બાટલીમાં અત્તર ભરવા જેવું છે. ગમે તેટલી કાળજી રાખો. થોડુંક અત્તર ઊડી જ જવાનું. પણ ઓછામાં ઓછું ઊડે એ અનુવાદકે જોવાનું. જોકે આ પુસ્તકના અનુવાદોમાંથી પસાર થતાં ક્યારેક એમ પણ બન્યું છે કે મૂળ ગુજરાતી અનુવાદ કરતાંય અંગ્રેજી અનુવાદ વધુ આસ્વાદ્ય લાગ્યો છે! પ્રદીપભાઈ પોતે કવિ અને એમનું અંગ્રેજી ભાષા ઉપરનું પ્રભુત્વ પણ પ્રશસ્ય એટલે પણ આમ બન્યું હશે.

પ્રદીપભાઈ બસો કાવ્યોનો અંગ્રેજી અનુવાદ કરી અટકી ન જતાં આગળ વધ્યા. તમામ બસો કાવ્યોને વિષયવસ્તુ, પ્રતીક, કલ્પન, ભાવવિશ્વ, સ્વરૂપ વગેરે અંતર્ગત ૨૭ વિભાગમાં વહેંચ્યા. એટલે કે દરેક કાવ્યને એના ભાવવિશ્વ અને કાવ્યત્ત્વને અનુરૂપ વિભાગમાં મૂક્યું. પુસ્તકની પ્રસ્તાવનામાં એમણે પોતાની પસંદગીનો માપદંડ પણ દર્શાવ્યો છે. પુસ્તકનો ઉદ્દેશ વિશ્વસાહિત્ય સમક્ષ-વિસ્વભરના સાહિત્યરસિકો સમક્ષ ગુજરાતી કાવ્યધારામાં રહેલી અસામાન્ય કૃતિ દર્શાવવાનો છે, સાહિત્યિક મૂલ્યાંકન કરવાનો નહીં. એટલે મોટાભાગના પ્રતિનિધિ (Representative) કવિઓ સમાવિષ્ટ થયા હોવા છતાં કેટલાક અહીં નથી. કેટલાક જાણીતા કવિઓની અજાણી કૃતિ છે, તો અજાણ્યા કવિઓ પણ છે. પરંપરાના કવિઓ સાથે નવોદિતો પણ છે. છંદોબદ્ધ કાવ્યો, અછાંદસ કાવ્યો, ગઝલ, ગીત, હાઈકુ અને ગદ્યકાવ્યો પણ છે. વિવિધ સ્વરૂપના કાવ્યપ્રકારો અને જુદાં જુદાં સ્થળકાળની ભિન્ન ભિન્ન રચનાઓ વચ્ચે પ્રવાહી અનુવાદ અહીં ઉપલબ્ધ થાય છે. મુખ્યત્વે સંપાદકે સમગ્ર અસર નિપજાવતી સર્જનાત્મક કૃતિની પસંદગીનો અભિગમ રાખ્યો હોય તેમ લાગે છે.

હવે વાત પુસ્તકના બ્રાહ્ય સ્વરૂપની. જગત સામે આપણો ખજાનો ખુલ્લો કરવાનો અવસર છે તો જાણે એની સજાવટ પણ એવી જ કરવામાં આવી છે. આ કામ અમિત ખરસાણીએ સુંદર રીતે કર્યું. પુસ્તકમાં એક તરફ દેવનાગરી લિપિમાં ગુજરાતી કાવ્ય અને એની જોડાજોડ અંગ્રજી અનુવાદ મૂકવામાં આવ્યો. છપાઈની એકવિધતા ટાળવા અવનવી પ્રિન્ટિંગ ડિઝાઈન ઊભી કરવામાં અમિતભાઈ ખૂબ સફળ રહ્યા. પ્રદીપભાઈ અને અમિતભાઈ કલાકો સુધી કમ્પ્યૂટર ઉપર મથતા રહ્યા અને અંતે પુસ્તકને જે સ્વરૂપ મળ્યું તે સોળે કળાએ મોરી ઊઠ્યું. અમિતભાઈ જેવા સાવાયા સાહિત્યરસિકો કશી પણ અપેક્ષા વગર આખું પુસ્તક તૈયાર કર્યું. છેલ્લે મુખ્ય સમસ્યા આવી આર્થિક સવલતની. આવું સુંદર કામ જોઈ નીતિનભાઈ શુક્લનો સાહિત્યરસિક જીવ પ્રસન્ન થઈ ગયો. ગુજરાતના કવિઓના એ ચાહક. ભાષાપ્રેમી અને કર્મનિષ્ઠા નીતિનભાઈ શુક્લે એ ભાર હળવો કર્યો. આ કામ માટે આર્થિક સહયોગ આપીને હજીરા એલએનજીએ ગુજરાતના ઉદ્યોગગૃહોને જાણે એક દિશા ચીંધી, દાખલો બેસાડ્યો. સાથે સાથે મું. ધીરુભાઈ ઠાકર અને કુમારપાળ દેસાઈનું પ્રેમભર્યું પીઠબળ મળ્યું. પણ સૌથી વધુ હિંમત નિરંજન ભગતે આપી. આખા ચયનમાંથી પસાર થઈ સંતોષ વ્યક્ત કર્યો ત્યારે અમને આ યજ્ઞની સાચી સફળતા લાધી.

ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ વિચાર કરીએ તો અન્ય ભાષાઓમાંથી સાહિત્યસામગ્રીની જેટલી આયાત થાય છે તેટલી નિકાસ થતી નથી. આશા રાખીએ કે 'Beyond the Beaten Track'ની  જેમ ગુજરાતી સાહિત્ય અંગ્રેજીમાં અને અન્ય ભાષાઓમાં અનુવાદિત તતું રહે.
- રાજેન્દ્ર  પટેલ

પશ્ચિમી દુનિયાના એક વદ્ધનો સંદેશ

(સાદર ઋણસ્વીકાર : સાંધ્યદીપ’માંથી)

- શ્રી ભવેનભાઈ કચ્છી

કુટુંબો તોડવાની, વડીલોને ધુત્કારવાની માનસિકતા તમારી ભવ્ય સંસ્કૃતિને અભડાવી ના જાય તેનું ધ્યાન રાખજો.

‘‘હેલો, હું ગ્રેહામ... એક અઠવાડિયા માટે આપ અમારા ઘરના મહેમાન છો. તમને લેવા માટે આવ્યો છું.’’

રોટરી ઇન્ટનેશનલના ગ્રૂપ સ્ટડી એક્સ્ચેન્જ કાર્યક્રમ હેછળ હું ઇંગલેન્ડના પ્રવાસે ગયો હતો. ચાર જુદા જુદા બ્રિટીશ કુટુંબ જોડે એક-એક અઠવાડિયું આ કાર્યક્રમ હેઠળ રહેવાનું હતું. તે લોકોના ઘેર કુટુંબના એક સભ્યની જેમ જ રહેવાનું. એકબીજાના દેશની સામાજિક, કૌટુંબિક, આર્થિક, ધાર્મિક તેમજ રહેણીકરણી વિષે આદાન-પ્રદાન કરવાનું, તસવીરો બતાવવાની, દિલ ખોલીને વાત કરવાની, સાથે હરવા-ફરવાનું.

આ અઠવાડિયું મારે ગ્રેહામને ઘેર રહેવાનું હતું તેથી તે તેમની ‘પોશ રે’નો કારમાં મને લેવા માટે આવ્યા હતાં. મજબૂત બાંધાના અને સફેદ દાઢી વધારેલ ગ્રેહામની ઉંમર ૬૫ વર્ષની હશે. તેમના ઘર સુધી કાર હંકારતા લગભગ ૪૫ મિનિટ લાગી હશે. રસ્તામાં તેમણે પરિચયનો સેતુ જોડતા નિવૃત્તિ પહેલાંની તેમના બિઝનેસ, પત્ની મેરી અને બે પ્યારા પરિવારના બે પ્યારા સભ્યો જોની અને જીની અંગે વાત કરી. મારા કુટુંબ, વ્યવસાય વિશે પણ પૂછ્યું.
ક્રિકેટ, ફૂટબોલ, ગાર્ડનિંગ અને વાંચન એ તેમના શોખ હતા. સરસ મજાનું સ્પોટર્સ ટી-શર્ટ-જીન્સ અને સ્પોટર્સ શૂઝ તેમણે પહેર્યાં હતા. ખૂબ જ પ્રસન્ન અને સુખી લાગે. રસ્તામાં તેમણે જોની અને જીનીના તોફાન, વ્હાલની વાતો પણ– હોંશપૂર્વક કરી. ઇંગ્લીશ લોકોને પ્રથમ પરિચયમાં બહુ અંગત પ્રશ્નો પૂછીએ તે વિવેકહીન લાગે છે. તેથી તે જે કહેતા હતા તે સાંભળ્યું પણ તેમના પરિવાર અંગે સામે ચાલીને કંઈ પૂછ્યું નહીં. હજુ તો પરિચય થયે જ ૩૦-૪૦ મિનિટ માંડ થઈ હતી.

ગ્રેહામનું ઘર આવી ગયું. લાલ ઈંટોનો બનેલ એ બંગલો લીલા ઘાસની લોન અને મીની ગાર્ડન વચ્ચે ઊભો હતો. કારનો અવાજ સાંભળતાં જ એક સુઘડ, સ્વચ્છ અને ખુશીની લહર દોડાવતી મહિલા બહાર આવી. તેણે પણ જીન્સ પેન્ટ અને જર્સી પહેરી હતી. તેના બધા વાળ સોનેરી-સફેદ હતા. તેણે લિપસ્ટિક, પાવડર, ફેસિયલ જેવી ટ્રીટમેન્ટ પણ લીધી હોય તેવું લાગ્યું.
‘‘મેરી... મીટ અવર ન્યુ ફેમિલી મેમ્બર’’ તેમ કહેતા ગ્રેહામે મેરીને ભેટતાં હળવું ચુંબન આપ્યું.

મેરી પણ વાત્સલ્ય ભાવ આપતાં મને ભેટી પડી. મને ગાલ પર તેણે વ્હાલથી ચુંબન આપ્યું.

લગભગ છ મોટા બેડરૂમ, પોશ ફર્નિચર, એન્ટીક પીસ, અદ્યતન ઇલેક્ટ્રોનિક્સ કુકિંગ રેન્જ, આપણા ઓરડા જેવા બાથરૂમો, પુસ્તકો-અખબારો-સામાજિકોના ખડકલાથી સજ્જ બંગલો ભારતની તુલનામાં કોઈ સુપર રીચનો હોય તેવો લાગતો હતો.

આટલો મોટો બંગલો પણ તેમાં ગ્રેહામ અને મેરી બે જ જણાં રહેતાં હોઈ એક ઉચાટભરી શાંતિ જણાતી હતી. આજુબાજુના બંગલાઓ પણ દૂર-દૂર હતા. તેથી કોઈ અવાજ જ ના આવે. વાહનોની અવર-જવર હોય ત્યાં રહેણાંક વિસ્તારો નથી હોતા. શૌપિંગ પણ અલાયદા અને ખાસ કાર લઈને જવું પડે તેટલું દૂર હોય છે. નવી પેઢીના યુવાન-યુવતીઓ, બાળકો સવારથી સાંજ સુધી તેમની પ્રવૃત્તિમાં જ બહાર ગયા હોય.

મેં પણ વિચાર્યું કે ગ્રેહામ-મેરીના સંતાનો જોની અને જીની અને જીની જેવા નામ ધરાવતા પૌત્રો સાંજ સુધીમાં આવી જશે. તે સાંજે જ ઘર ભર્યું-ભર્યું થઈ જશે. બાકી ભારતથી ગયેલાને તો સ્મશાનવત્ -ગ્લુમી શાંતિ લાગે. વાદળછાયું વાતાવરણ આમાં વધારે ઉમેરો કરે.

ઘરમાં ઠેર ઠેર કોર્નરમાં અને દીવાલો પર સુંદર ફ્રેમમાં તેમના પુત્રો-પુત્રીઓ, જમાઈ, પૌત્રો વગેરેના ફોટાઓ, ગ્રુપ ફોટાઓ પણ હતા.
સવારના હજુ નવેક વાગ્યા હતા. બ્રેક ફાસ્ટ માટે મેરીએ ડાઇનીંગ ટેબલ પર બોલાલ્યા. ગ્રેહામને હું ભારતની તેમજ કુટુંબ અંગે વાત કરી રહ્યો હતો. ત્યારે તેની આંખ ભાવુક્ત, સાથે ભીની થઈ ગઈ હતી. પણ પછી તરત જ તેણે તેની દિનચર્યાની વાત માંડી. અચાનક ઉપરના રૂમમાં કંઈક અવાજ આવ્યો. ગ્રેહામ અને મેરીના ચહેરા પર ચમક આવી ગઈ. દાદરા પરથી ઊતરી એક અલમસ્ત સફેદ કૂતરું આળસ મરડતા નીચે આવ્યું તે સાથે જ ગ્રેહામ અને મેરી ડાઇનિંગ ટેબલ છોડી કૂતરાને હરખથી ભેટવા દોડી ગયા. મને જોતાં જ કૂતરું અજાણ્યો હોઈ ભસવા લાગ્યું. તે સાથે જ ગ્રેહામે લાડ મિશ્રિત ઠપકો આપતા કૂતરાને કહ્યુ ‘‘નો... નો. જોની, હી ઈઝ અવર ગેસ્ટ, ફેમિલી મેમ્બર.’’

જોની નામ સાંભળતા જ હું ચમક્યો. થોડી મિનિટો તો ગ્રેહામ, મેરી મને ભૂલી ગયા હોય તેમ કૂતરા જોડે રમવા માંડ્યા. તેને બિસ્કીટ, વગેરે આપ્યાં.

ગ્રેહામે એકદમ સહજતાથી કહ્યું, ‘‘તો આ છે એ ડેવિસ જોની જેની હું તમને રસ્તામાં વાત કરતો હતો.’’ હું જેને પુત્ર કે પૌત્ર માનતો હતો તે તો આ પાળેલો કૂતરો હતો. જો કે ગ્રેહામ અને મેરી તેને પૌત્ર જેટલો જ પ્રેમ કરતા હતા તે જુદી વાત હતી.

સ્વાભાવિકપણે મને ‘જીની’ કોણ છે તે જાણવાની ઉત્કંઠા હતી. મારાથી રહેવાયું નહીં. મેં પૂછી કાઢ્યું કે ‘‘મને જીનીની ઓળખાણ કરાવવાની બાકી છે.’’

તરત જ મેરીના ચહેરા પર પ્રસન્નતાની છોળ ઊડી. તેણે કહ્યું, ‘‘અરે તે તો સાવ આળસુ છે. રાત્રે મોડે સુધી આપણી પથારીમાં આવી તોફાન કરે અને તેને ઊંઘ આવે ત્યારે તેની કોટેજમાં સૂવા માટે ચાલી જાય. ચાલો, હું તેને ઉઠાડી આવું.’’ મેરી પાછળના યાર્ડમાં ગઈ.

એક કાબર ચીતરી બિલાડીએ પ્રવેશતાં ‘‘મ્યાંઉ... મ્યાંઉ...’’કરી ઘર ગજવી મૂક્યું.

‘‘જીની, શેક હેન્ડ વીથ અવર ફ્રનેડ.’’

પછી તો જોની અને જીનીના પરાક્રમની વાતો ગ્રેહામ અને મેરી તેમની આંખોમાં પાણી આવી જાય તે રીતે હસીને કરતા હતા. મારી આંખો પણ જુદા કારણોસર તેઓની વેદના અને એકાકીપણાને કેવી રીતે છુપાવે છે તે જોઈને ભીની થઈ ગઈ હતી.

પછી તો એક-બે દિવસ સાથે રહ્યા તેમાં જ એમ ઘણા નજીક આવી ગયાં. તેઓ હું જાણે તેમનો પુત્ર હોઉં તેમ ભરપૂર પ્રેમ, સત્કાર વરસાવતા હતા. જાણે તેમના જીવનમાં બહાર આવી ગઈ હોય તેવું લાગે. મારી ડગલે અને પગલે સતત કાળજી, ખાસ ઇન્ડિયન ફૂડ બનાવવા માટે રેસિપી બુક ખરીદી લાવ્યાં હતાં. તેમાંથી જોઈને ભોજન બનાવવાનો પ્રયત્ન કરતા હતા. બધું બતાવવા માટે સેલ્ફ ડ્રાઇવિંગ કરીને કારમાં લઈ જાય.

તેઓએ ત્રણેક દિવસ પછી જ્યારે ભારતના કુટુંબજીવન અંગે મારી પાસેથી વાતો સાંભળી ત્યારે ગ્રેહામની આંખોમાં અશ્રુ છલકાતાં હતાં. તેણે કહ્યું કે ‘‘અહીં છોકરો કે છોકરી ૧૫-૧૭ વર્ષનાં થાય ત્યાં જ તેમની રીતે સ્વતંત્ર બનવા ઘર છોડીને ચાલી જાય છે. ૨૦ વર્ષ તો હદ થઈ ગઈ. કોઈ છોકરી જોડે લગ્ન વગર પણ મારો પુત્ર સંતાનો સાથે વર્ષો સુધી રહે. લગ્ન કરે કે ના કરે તે મહત્ત્વનું નથી. તેઓ એમ માને છે કે અમે તેઓને જન્મ આપી દીધો એટલે બસ. મારો એક પુત્ર આ ઘરથી ત્રણ માઈલ દૂર જ રહે છે, બીજો પુત્ર બીજા ગામમાં અને ત્રીજો પુત્ર ન્યુઝિલેન્ડ રહે છે. પુત્રી તેનાં બંગલામાં એકલી રહે છે. તેઓએ અમને કાઢી મૂક્યા નથી. તેઓ અમારા જીવનમાંથી ૧૭થી ૨૦ વર્ષની વયે નીકળી ગયા છે. તેઓને અમારી ભાવના, લાગણી પ્રેમ, અપેક્ષાની સહેજ પણ દરકાર નથી. ઘણા તો એમ કહે છે કે તમારા સેક્સ સંબંધનું અમે પરિણામ છીએ. આ માત્ર અમારા એકલાની વાત નથી. પશ્ચિમ જગતનો આ સહજ શિરસ્તો છે. જોની અને જીની એ જ અમારા જીવનની બહાર-લહેર અને મકસદ છે.’’

ગ્રેહામ અને મેરી સતત પ્રવૃત્તિમય, વાંચન અને આલબમો જોઈને જીવન વીતાવે છે. તેમના કેટલાક હમઉમ્ર સાથીઓને બીમારી અને હાથ-પગ ચલાવવાની તકલીફ હોય તેઓ નર્સિંગરૂમમાં જીવન પૂરું કરે છે.
ગ્રેહામ કહે છે કે ‘‘નવી પેઢી સંપૂર્ણ સ્વકેન્દ્રી, સ્વાર્થી અને ભૌતિક મસ્તીમાં જ ડૂબેલી રહે છે. તેમ ઇન્ડિયામાં બે રૂમમાં આઠ જણા રહી શકો છો. પણ અમે આઠ રૂમમાં બે જણા જ રહીએ છીએ.’’
મેં પૂછ્યું કે ‘‘તમારા સંતાનો તમને મળવા આવે? યાદ કરે?’’

મેરીએ ગ્લાનિના ભાવ સાથે જવાબ આપ્યો કે ‘‘હા, કોઈ વખત ‘ફાધર ડે’ કે ‘મધર ડે’ના દિવસે આવે અથવા કાર્ડ લખીને મોકલે. મારા સંતાનો એટલાં સારાં છે. બાકી પાડોશી માર્ગરેટના સંતાનો તો ‘ફાધર ડે’ના દિવસે પણ કાર્ડ નથી મોકલતાં.’’

મેં મનોમન વિચાર્યું કે ‘પશ્ચિમની દુનિયામાં એક બંગલામાં કૂતરા-બિલાડી સાથે રહી શકે છે. પણ કુટુંબના સભ્યો રહી નથી શકતાં.’

ગ્રેહામે નિઃસાસો નાંખતાં કહ્યું કે ‘‘મહેરબાની કરી તમારા નાગરિકોને કહેજો કે કુટુંબો તોડવાની વડીલોને ધુત્કારવાની માનસિક્તા તમારી ભવ્ય સંસ્કૃતિને અભડાવી ના જાય તેનો ખ્યાલ રાખજો. જીવનનું સુખ, ખુશી એ મોટા બંગલા, ગાડી તથા સ્વાર્થીપણાથી કદી મળતી નથી.’’

તેઓને આઘાત લાગે એટલે મેં પરિસ્થિતીની વાસ્તવિક્તાની ઝલક જરૂર આપી પણ, એમના કહ્યું કે અમારે ત્યાં પણ હવે વૃદ્ધાશ્રમોમાં ભરતી થવા માટેનું વેઇટિંગ લિસ્ટ છે.
(શ્રી ભવેનભાઈ : કચ્છી : પત્રકાર, કોલમિસ્ટ-‘ગુજરાત સમાચાર’ અમદાવાદ)

વુદ્ધાશ્રમો મા-બાપ અને સંતાનો વચ્ચેની ખાઈની નિશાની તો છે જ, પણ એ ખાઈ કેવળ સ્વાર્થજન્ય કારણોને લીધે ન હોય, જુદી જીવનપ્રણાલી, જુદી વિચારધારાને લીધે પણ હોય.

ઉપયોગ હોય ત્યાં સુધી આદર અને ઉપયોગ મટ્યો કે અનાદર-એ સાંસારિક સંબંધોનું સ્વરૂપ મોટાભાગે જોવા મળે છે. કોઈક એવી વ્યવસ્થા શોધી કાઢવી જોઈએ જેમાં કોઈનાં ઓસિયાળાં રહેવાપણું ન હોય, પરાધીનતા ઓછામાં ઓછી હોય.

આ બધાં દૃષ્ટિબિંદુથી જોતાં વૃદ્ધાશ્રમો તો સમાજ માટે વરદાન સમાન છે. માત્ર અસહાય વ્યક્તિનું સાધના-સ્થાન પણ તે બની શકે.
- કુંદનિકા કાપડિયા

મળે તે આનંદ, ન મળે તે નિજાનંદ

(સાદર ઋણસ્વીકાર : સાંધ્યદીપ’માંથી)

- શ્રી સ્વામી અધ્યાત્માનંદજી

જીવન સંધ્યાના ઓવારે ઊભેલા વૃદ્ધો માટે જ નહીં, પ્રત્યેક માનવી માટે સ્વામી અધ્યાત્માનંદજી પાસે રસપ્રદ અને અતિઉપયોગી વાતોનો ખજાનો છે. આ ખજાનાને એમની રીતે જ ખુલવા દઈએ...

સંસારમાં પ્રત્યેક માનવીને સુખ અને શાંતિ જોઈએ છે. મહાત્મા ગાંધીજી આપણને સ્વનિર્ભર બનવાની શીખ આપી ગયા છે. આપણી સંસ્કૃતિએ આપણને ચાર આશ્રમો આપ્યાઃ બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, સંન્યાસાશ્રમ. દુઃખની વાત એ છે કે આ આશ્રમોમાંથી આજે આપણે શ્રમ કાઢી નાખ્યો આથી જીવન ‘બેશ્રમ’ બની ગયું. આ બેશ્રમપણું અંદરથી આતંક ફેલાવે છે. જીવન બંધાઈ ગયું. જે બંધાય એ ગંધાય. Rest is rust. આના પરિણામે શરીરમાં અને જીવનમાં બધી અંધાધૂંધી ફેલાઈ ગઈ.

‘આ બધી અવસ્થામાં યોગ સંતુલન આપે છે. શારીરિક અને માનસિક સંતુલન. થોડો પણ યોગાભ્યાસ નિયમિતરૂપે કરવામાં આવે તો જીવન લયબદ્ધ બને. સરળ ભાષામાં કહું તો ખૂબ સારી ભૂખ લાગે, કબજિયાત ન રહે, માંદા ન પડાય અને સારી ઊંઘ આવે. શરીરમાં સ્ફૂર્તિ રહે, થાક ન લાગે અને મન પ્રસન્ન રહે.

યોગ એટલે શું? યોગનો અર્થ માત્ર આસન કે પ્રાણાયામ નથી. યોદ શબ્દ युज ધાતુમાંથી આવે છે. યોગ એટલે જોડવું. પોતાની જાત સાથે જોડાવું. આપણી ઉંમર ગમ તેટલી થઈ હોય, હજી આપણે જાત સાથે જીવતાં શીખ્યા જ નથી. આપણે બહાર જ જીવીએ છીએ. બહારના સૌંદર્યથી વધારે સુંદર અને વિશાળ વિશ્વ આપણી અંદર છે. એ વિશ્વ આત્મનિરીક્ષણથી પ્રાપ્ત થાય, આત્મપરીક્ષણથી પ્રાપ્ત થાય. આ જાણકારી યોગ આપે છે. આ અનુશાસન યોગ શીખવે છે. માતા આપણને જન્મ આપે છે. મૃત્યુ તો આવીને મળવાનું જ છે પરંતુ જીવન મેળવવું પડે છે. જીવન જીવવાની જડીબુટ્ટી છે, જળકમળવત્ જીવવું. કશું ગાંઠેન બાંધવું. ફાયદો થાય, નુકસાન થાય, ગુસ્સો આવે કે ચિંતા થાય, બધું ખંખેરીને જીવવું.

વાનપ્રસ્થાશ્રમ આવે એટલે વ્યક્તિએ પોતાના ઘરમાં મહેમાન બનીને રહેવું જોઈએ. એટલું જ નહીં, સારા મહેમાન બનતાં શીખવું જોઈએ. આને તમે સમજણયોગ કહી શકો. આ સમજણયોગ પ્રાપ્ત થાય તો જીવનસંધ્યા સલૂણી બની જાય. સારા મહેમાન કોને કહેવાય? જે પોતાનું બધું કામ પોતે જ કરી લે અને યજમાનને પૂરતી મદદ કરે. આવા મહેમાન કદી કોઈને ભારે પડતા નથી, ઉલ્ટું લોકો આવા મહેમાનને હંમેશા આવકારે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું છે કે ઉંમર મોટી થાય પછી પોતાનું કામ જાતે જ કરવું. આનાથી પોતાને શારીરિક શ્રમ રહે અને આવતી પેઢીને પ્રેરણા મળે. બધી બાબતમાં ચાલશે, ફાવશેનો સિધ્ધાંત સ્વીકારી લે તો કુટુંબમાં વૃદ્ધો ક્યારેય અનાદર ન પામે.

મોટી ઉંમરે પણ યોગ શીખી શકાય એવું  જણાવતાં સ્વામીજી કહે છે કે અનેક વૃદ્ધો મારી પાસે યોગ શીખ્યા છે. ૮૦ વર્ષની વય પછી પણ લોકો યોગ શીખ્યા છે અને સારી રીતે કરી શકે છે. વૃદ્ધ લોકો માટે સૂક્ષ્મ વ્યાયામની તેઓ ભલામણ કરે છે. સૂક્ષ્મ વ્યાયામ એટલે શરીરના બધા જ સાંધાઓ માટેનો વ્યાયામ. હાથ, પગ, અંગુઠા, આંગળીઓ, થાપા, કમર, આવા બધા સાંધાઓ માટેનો સૂક્ષ્મ વ્યાયામ ગમે તે વયના લોકો કરી શકે. પ્રાણાયામ કરી શકે. પ્રાણાયામથી કરેલી ચેતના પ્રાપ્ત થાય છે! શીતલી અને શીતકારી પ્રાણાયામના અભ્યાસથી મન શાંત થાય છે, ઉદ્વેગરહિત થાય છે. સ્મૃતિ જળવાઈ રહે છે. પાચનશક્તિ વધે છે. ઊંઘ સારી આવે છે. ખોરાક અને ઊંઘ વધારે પડતાં હોય તો એના પર આ પ્રાણાયામથી નિયંત્રણ પણ લાવી શકાય છે.

આપણે પ્રસન્ન રહેતાં શીખવું જોઈએ. સદા પ્રસન્નતાથી જીવવાની કળા આપણે ભૂલી ગયા છીએ. ભાવનગરના ગિજુભાઈ, જેને આપણે ‘મૂછાળી મા’ તરીકે પણ જાણીએ છીએ. તેમણે આનંદી કાગડાનું સરસ ગીત આપ્યું. આ કાગડો કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એ હસતો અને ગાતો જ રહે, આનંદમાં જ રહે. આપણે પણ હર હાલમાં આનંદમાં રહેવાની કળા શીખવી જોઈએ. લોકો હિમાલય જાય, બદરીકેદાર જાય, જાત્રા કરવા જાય પણ બધે પોતાનો સ્વભાવ તો સાથે જ લઈને જાય. ચિડાઈ જવાનો, ખટપટ કરવાનો, ક્રોધ કરવાનો, પંચાત કરવાનો સ્વભાવ છોડી ન શકે અને ક્યાંયથી આનંદ પ્રાપ્ત ન કરી શકે.

દિવ્યજીવનનો પાયો છે, પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવું. આ કેવી રીતે થઈ શકે? સારા ગ્રંથોના વાંચનથી, એના પર વિચારવિનિમય કરવાથી અને યોગનો અભ્યાસ કરવાથી. સ્વામી શિવાનંદજીના વચનો ટાંકતા એમણે કહ્યું કે સદગુણોનું ચિંતન કરશો તો સદગુણ આવસે. દુર્ગુણોનું ચિંતન કરશો તો દુર્ગુણો આવશે. મા આનંદમયીના વચનો ટાંકતા સ્વામીજીએ જણાવ્યું કે સુખી થવું હોય તો બીજાના ગુણ જુઓ અને પોતાના દોષ જુઓ.

મનની શાંતિ માટે ધ્યાન અદભુત ચીજ છે. ધ્યાન માટે એમણે પાંચ મૂલ્યવાન સૂચનો આપ્યાં.

૧. દરરોજ એક જ સમયે બેસવું.
૨. દરરોજ એક જ સ્થાને ધ્યાનમાં બેસવું.
૩. દરરોજ એક જ રીતે ધ્યાન કરવું.
૪. ધ્યાન સગુણ પણ કરી શકાય અર્થાત્ મૂર્તિ ફોટા વગેરે સામે પણ કરી શકાય અને આંખ બંધ કરી નિર્ગુણ ધ્યાન પણ કરી શકાય.
૫. ધ્યાન મંત્રસહિત પણ કરાય. ધ્યાન મંત્રરહિત પણ કરાય.

પાંચ મિનિટથી શરૂઆત કરી ત્રણ કલાક સુધી ધ્યાનમાં બેસવાની ટેવ પાડી શકાય.

સેટેલાઈટ રોડ પર આવેલા શિવાનંદ આશ્રમના શાંત, પવિત્ર વાતાવરણમાં પ્રખર વિદ્વાન, તેજસ્વી અને ૫૮ વર્ષના યુવાન સ્વામી અધ્યાત્માનંદજીનો વાણીપ્રવાહ અસ્ખલિત વહ્યે જતો હતો. જીવન જીવવાની રત્નકણિકાઓ એમાં વેરાયે જતી હતી. માત્ર ૨૫ વર્ષની ભરયુવાનવ વયે એમણે સંન્યાસ સ્વીકાર્યો. આને તેઓ પૂર્વજન્મના સંસ્કારનું પરિણામ ગણે છે. પોતાની જાતને ગૃહસ્થ જણાવતાં એમણે કહ્યું, ‘‘જે ગૃહમાં સ્થિત થઈને રહે એ ગૃહસ્થ. આત્મા મારું ઘર છે. હું આત્મામાં જ રહું છું અને અનાત્માનો વિચાર નથી કરતો આથી હું ગૃહસ્થ છું. શાશ્વત ગૃહસ્થ જ ચિરંતન સંન્યાસ પ્રાપ્ત કરી શકે.’’

૧૯૭૪થી સ્વામીજી લોકોને યોગશિક્ષણ આપી રહ્યા છે. આજુ સુધીમાં કુલ ૫૮૭ યોગશિબિરો કરી ચૂક્યા છે. દેશ-પરદેશમાં અને કાશ્મીરના લેક જેવા માઈનસ ડીગ્રી તાપમાન ધરાવતા પ્રદેશમાં પણ તેઓ યોગાસન શિબિર કરી ચૂક્યા છે. એમની સજ્જતા અદભુત છે. પોતે ડોક્ટર નથી પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિથી યોગશિક્ષણ આપે છે. તબીબીવિદ્યાને એમણે પચાવી છે. પોતાના કાર્યના દરેક પાસાંને સંપૂર્ણપણે જાણવાનો અને એ રીતે પૂર્ણતા લાવવાનો એમનો અભિગમ કોઈને પણ પ્રેરણારૂપ બને એવો છે. આથી જ શિવાનંદ આશ્રમના યોગશિક્ષકોમાં યોગની અધિકારિતા અને તબીબી પદવીઓનો સુભગ સમન્વય જોવા મળે છે. સંપૂર્ણ ચેતનાજાગૃતિ (Total Awareness)નો જીવનમંત્ર આપનાર સ્વામી અધ્યાત્માનંદજીના પ્રભાવક વ્યક્તિત્વનાં બંને પાસાં અનુભવવા જેવાં છે, મનને વશીભૂત કરતી એમની જ્ઞાનભરી વાણી અને બીજી જ પળે બાજુમાં બેઠેલા દાદજીને એક ટુચકો કહીને આશ્રમને ગુંજાવી દેતું એમનું ખડખડાટ હાસ્ય.

શ્રી લતાબેન હિરાણીની કલ્યાણપથના યાત્રીઓની મુલાકાતના આધારે

વસિયતનામું (વિલ) : એક નમૂનો

(સાદર ઋણસ્વીકાર : સાંધ્યદીપ’માંથી)

- શ્રી એ. જી. ઠક્કર

હું નીચે સહી કરનાર---- ઉં. આ. વ.--- ધંધો --- જાતે --- રે --- નો તે મારું છેવટનું વિલ યાને વસિયતનામું કરું છું કે:

૧. આ અગાઉ મેં મારી મિલકતો અંગે કોઈ વિલ કે વિલ સ્વરૂપનું કોઈ લખાણ કરેલું નથી. આમ છતાં તે કોઈ મળી આવે તો તે આથી રદબાતલ કરું છું અને આ છેટવનું વિલ કરું છું.

૨. હાલમાં મારી ઉંમર થયેલી છે અને હું નાદુરસ્ત તબિયતના કારણે છેલ્લા... સમયથી પથારીવશ છું. આ દુનિયામાં ક્ષણભંગુર અને નાશવંત દેહનો કાંઈ ભરોસો નથી, અને જ્યારે હું ગુજરી જાઉં, ત્યારે મારી મિલકતનો બગાડ ન થાય તે માટે અને મારી મિલકતની વ્યવસ્થા મારા ધાર્યા મુજબ થાય તે માટે હું મારું છેવટનું વિલ યાને વસિયતનામું મારા તનમનની સાવધ સ્થિતિમાં કોઈ પણ પ્રકારના દબાણ કે લાગવગ વગર કરું છું, અને આ મારું છેવટનું વિલ ગણવાનું છે.

૩. મારી પત્ની/પતિ નામે--- તથા મારા પુત્રો નામે--- તેમ જ પુત્રીઓ નામે--- છે. (કુટુંબીઓ અંગે વિગત આપવી.) મારા તમામ દીકરા, દીકરીઓને પરણાવેલા છે. મારા દીકરાઓ પૈકી--- રહે છે જ્યારે--- રહે છે. (કુટુંબીજનોના રહેઠાણની, વ્યવસાય તેમજ અન્ય જરૂરી વિગતો આપવી.) એ રીતના મારા નજીકનાં સગાં છે.

૪. મારી મિલકતોની વિગતો નીચે મુજબ છેઃ
(એ) સ્થાવર મિલકત (આ અંગેની જરૂરી વિગતો આપવી.)
(બી) જંગમ મિલકત (આ અંગેની જરૂરી વિગતો આપવી.)

૫. મારે કોઈનું દેવું નથી, અને જો કોઈ દેવું નીકળે તો તે ભરપાઈ કરવાની જવાબદારી નીચે પ્રમાણેની વ્યક્તિઓએ અદા કરવાની છે. (જો દેવું હોય તો કોણે કેટલી રકમો કોને ભરપાઈ કરવાની છે તે તથા દેવા અંગેની વિગતો આપવી.)

૬. એ રીતે ઉપર જણાવેલી મારી સ્થાવર તથા જંગમ મિલકતો મારી પોતાની આગવી સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાની છે. તે તમામ મિલકત તથા હું નવી પ્રાપ્ત કરું તે તમામ તથા શરતચૂકથી આ વિલમાં લખવી રહી ગઈ હોય તે તમામ મારી મિલકત હું ખાઉં, વાપરું, ભોગવું, વેચું, સાટુ યા તેનું દિલ ચાહે તેમ કરું અને દેવ ઇચ્છાએ મને રજાકજા થાય અને હું ગુજરી જાઉં ત્યારે મારી હયાતી બાદ મારી જે મિલકત રહી હોય તે પ્રમાણેની એટલે જેને જે વ્યવસ્થા કરું છું. (જે રીતે વ્યવસ્થા કરવાની હોય તે પ્રમાણેની એટલે જેને જે મિલકત આપવાની હોય તેની વિગતો લખવી તથા દાન, ધર્મ અંગે પણ જે વ્યવસ્થા કરવાની હોય તેની વિગતો દર્શાવવી.)

૭. એ રીતે ઉપર જણાવ્યા પ્રમાણે મારી મિલકતની વ્યવસ્થા કરવાની છે.

૮. મારા મૃત્યુ બાદ મારી અંતિમક્રિયા વગેરે મિલકતમાંથી ખર્ચ કરીને કરવાની છે.

૯. આ વિલની રૂએ મારી મિલકતો અંગે વારસા સર્ટિફિકેટ યા પ્રોબેટ લેવાની જરૂર પડે તો તે મારા દીકરા---એ મારી મિલકતમાંથી ખર્ચ કરીને લેવું.

૧૦. આ વિલનો અમલ મારા ગુજર્યા બાદ કરવાનો છે.

૧૧. એ રીતનું આ વિલ યાને વસિયતનામું મેં મારા તનમનની સંપૂર્ણ સાવધ સ્થિતિમાં કોઈ પણ શખ્સના કોઈ પણ પ્રકારનાં દબાણ કે લાગવગ વગર મારી રાજીખુશીથી તથા અક્કલ હોંશિયારથી કર્યું છે. તે મને તથા મારા વંશ, વાલી, વારસો વગેરે તમામને કબૂલમંજૂર અને બંધનકર્તા છે. અને તેથી મેં નીચે જણાવેલ સક્ષીઓ રૂબરૂ સહી કરી આપેલ છે.
સંવત---ની---ને વારે---તા. --- માહે ---સને---અત્ર---મતુ---અત્ર---શાખ

વિલ કરનારની સહી

સાક્ષીઓની સહી

અગત્યના મુદ્દાઓ

૧. વસિયતનામા હેઠળ જે વ્યક્તિઓને લાભ થવાનો હોય (જેમને કોઈ પણ મિલકત આપવાનો, ઉલ્લેખ હોય) તે વ્યક્તિઓનાં નામ સાક્ષી (WITNESS) તરીકે ન નાખી શકાય અને તેઓની સાક્ષી તરીકે સહી ન લઈ શકાય.

૨. સાક્ષીઓ તરીકે બને ત્યાં સુધી યુવાન વ્યક્તિઓનાં નામ લખવાં.

૩. વસિયતનામું કરનાર વ્યક્તિના મૃત્યુ બાદ વસિયતનામામાં લખ્યા મુજબ મિલકતની વ્યવસ્થા-વહેંચણી કરવા માટે એકાદ બે વ્યક્તિઓનાં નામ વસિયતનામામાં નાખી શકાય. જે વ્યક્તિ-વારસદારો પર વજન પાડી શકે તેમ હોય, કાબેલ હોય તે વ્યક્તિનું નામ EXECUTOR OF WILL વ્યવસ્થાપક તરીકે વસિયતનામામાં લખી શકાય. નામ લખતાં પહેલાં તે વ્યક્તિની મૌખિક મંજૂરી લઈ લેવી.

૪. વસિયતનામાના દસ્તાવેજના અંતમાં કોઈપણ ડોક્ટરનું પ્રમાણપત્ર લખાવી લેવાય તો ભવિષ્યમાં વારસદારો એમ ન કહી શકે કે વસિયતનામામાં સહી કરતી વખતે વસિયતનામું કરનાર વ્યક્તિની માનસિક સ્થિતિ સારી નહોતી. પ્રમાણપત્રમાં આ પ્રમાણે લખાણ હોવું જોઈએઃ

‘આજે રોજ તારીખ---ના મેં શ્રી/શ્રીમતી---ને તપાસ્યા છે અને તેમની આ વસિયતનામુ કરવા માટે અને તેની પર હસ્તાક્ષર કરવા માટે જરૂરી શારીરિક/માનસિક સ્થિતિ બરોબર છે.

તારીખ : ડોક્ટરની સહી :
ડોક્ટરનું નામ :
રબર સ્ટેમ્પ :

૫. વસિયતનામું સાદા કાગળ પર થઈ શકે છે. સ્ટેમ્પ પેપર જરૂરી નથી.
૬. રજિસ્ટર કરાવવું હિતાવહ છે.

(સૌજન્ય : શ્રી એ.જી. ઠક્કર, એડવોકેટ.)

જીવનની ઢળતી સંધ્યાએ નથી ખેદ કે નથી ખટકો..

(સાદર ઋણસ્વીકાર : સાંધ્યદીપ’માંથી)

- શ્રી જયવતીબહેન કાજી

સારવારના લગભગ સાત વાગ્યા છે. હું મલબારહિલ પર આવેલા હેંગિગ ગાર્ડનની (સર ફિરોજ શાહ મહેતા ગાર્ડનની) એક પાટલી પર ચાલી લીધા પછી બેઠી છું; ત્યાં સામેથી પગથિયાં ચઢીને આવતાં શાલિનીતાઈ પર મારી નજર પડે છે. સુતરાઉ સાદી સફેદ સાડી, શ્વેત કેશ અને ખભે ભેરવેલો એક થેલો. મોં પર પ્રસન્નતાની આભા, હોઠ પર સ્મિત, આંખમાં ચમક, લાકડી વગરની ટટ્ટાર ચાલ, યુવાનને શરમાવે તેવો ઉત્સાહ અને હસમુખો સ્વભાવ. અમને જોઈ કોણ કહે કે તેઓ જીવનના સાડા આઠ દાયકા વટાવી ચૂક્યાં છે! બધાં જ એમને પ્રેમથી બોલાવે છે, આ છે શાલિનીતાઈ ચિરપુટકર.

ગાર્ડન પર સામસામે ગોઠવેલી ચાર પાટલીઓ પર બેઠેલી બહેનોના એ ખબરઅંતર પૂછે છે અને કહે છેઃ ‘રમાબહેન! આજે તમારે માટે ડસ્ટર લઈ આવી છું. એક ડઝન છે.’ કહી રમાબહેનને ડસ્ટરનું પેકેટ આપે છે. તો અમૃતાબહેનને જોઈતી થેલીઓ બીજે દિવસે લાવી આપવાનું કહે છે.

‘શાલિનીતાઈ! હું આવતી કાલે કલકત્તા જાઉં છું. એક મહિના પછી આવીશ. આવીને તમને મળીશ.’ મોહિની એમને કહે છે.

‘હા, કેમ નહિ? જો હું ઉપર નહિ ચાલી ગઈ હોઉં તો!’ હસીને તેઓ કહે છે.

‘તમારે ઉપર જઈને શું કરવું છે? અહીં જ કામ ક્યાં ઓછું છે!’ હું એમને હસીને કહું છું, અને એ પણ ખડખડાટ હસી પડે છે. તેઓ હસી શકે છે, પ્રશન્ન રહે છે, બધાં એમને બોલાવે છે, કારણ કે એમનામાં એક પ્રકારની કોઠાસૂઝ છે. જીવનનો અને સાથે સાથે અનિવાર્ય એવી વૃદ્ધાવસ્થાનો અને એની અનેકવિધ સમસ્યાઓનો સ્વીકાર છે. જીવન પ્રત્યે એક આસાવાદી, વિધેયક અભિગમ છે. વૃદ્ધાવસ્થાને નિરર્થક, નકામી, નીરસ અને દુઃખદ કરવાને બદલે એને સાર્થક કરવાનો કીમિયો એમની પાસે છે.

‘મારાં છોકરાંઓ મારું સાંભળતાં નથી. મારી સાથે ઘરમાં કોઈ વાત કરતું નથી, મારી કોઈને પડી જ નથી, બધાં જ સ્વાર્થી થઈ ગયા છે, મારા પગ બહુ દુઃખે છે, અને આ હાઈ બલ્ડપ્રેશરથી તો તોબા.’ આવી જાતજાતની ફરિયાદ આપણે વૃદ્ધોને મોંએ સાંભળતા હોઈએ છીએ. ઘડપણમાં માણસને થાય કે હવે હું નકામો થઈ ગયો છું. બધાં મારી અવગણના કરે છે. આમાં તથ્ય હોય છે, પણ એનો સીધેસીધો ઉત્તર આપવો મુશ્કેલ છે. મનુષ્યની આયુષ્ય રેખા વિજ્ઞાને લંબાવી દીધી છે. વૃદ્ધજનોની સંખ્યા દુનિયાભરમાં વધી રહી છે. એ એક વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક સમસ્યા થઈ પડી છે.

પરંતુ શાલિનીતાઈને આવી કોઈ ફરિયાદ નથી. ૮૬ વર્ષે પણ આંખ અને કાન સારાં છે. એકલાં ચાલતાં જઈ શકે છે. સવારે સાડાચારે ઊઠવાનું, પછી સ્નાન વગેરે કરી જ્ઞાનેશ્વરીનો પાઠ, નામસ્મરણ અને પછી આરામથી ફરવા નીકળી પડવાનું. મુંબઈમાં એમને ઘેર ગામદેવીથી હેંગિંગ ગાર્ડન ચાલતાં ચાલતાં આવી પહોંચે. કોઈ કોઈ દિવસ ચોપાટી પરના નાનાનાની ગાર્ડન ચાલતાં જાય.

‘હું શું કરું! મારો સમય જતો નથી. બહુ એકલું લાગે છે.’ આ વાત જ એમને સમજાતી નથી! કારણ કે છેલ્લા પચ્ચીસ વર્ષથી તેઓ દિવસના છ થી સાત કલાક સિવવાના મશીન પર હાથપર ચલાવતાં હોય અને અંતરમાં ઈશ્વરનું નામસ્મરણ ચાલતું રહે! એમને તો સમય જ ઓછો પડે છે!

એમણે શોધી કાઢ્યું છે કે જીવન એટલે સતત સમાધાન. એમને ત્રણ દીકરીઓ છે અને એક દીકરો છે, પુત્રવધૂ અને પૌત્ર છે. બધાં સંતાનોને એમણે સારું શિક્ષણ આપ્યું છે. પૌત્ર અમેરિકામાં અભ્યાસ કરે છે. એક દીકરી વર્ષોથી અમેરિકામાં વસવાટ કરે છે અને એક દીકરી પૂનામાં એનાં પરિવાર સાથે છે. ત્રીજી દીરકી મુંબઈમાં જ છે.

‘આ બધાં મારી ખૂબ સંભાળ રાખે છે. પૂત્રવધૂ ખૂબ જ કુશળ અને પ્રેમાળ છે. મને ૬૦ વર્ષ થયાં અને મેં ઘરનો બધો કારભાર અને જવાબદારી મારી પુત્રવધૂને સોંપી દીધાં. હું એમના કોઈ કામમાં વચમાં આવતી નથી. માંગ્યા વગર સલાહ આપતી નથી. બધાં પોતપોતાનાં કામમાં વ્યસ્ત હો અને હું મારા કામમાં! ઘરમાં હું તો મહેમાનની માફક આનંદથી રહું છું. મારું પોતાનું કામ હું જાતે કરું છું. મારાં કપડાં પણ હું પોતે ધોઈ લઉં છું. મારો પૈત્ર, મારી પુત્રી બધાં મને અમેરિકા બોલાવે છે. ચાર પાંચ વખત હું અમેરિકા જઈ આવી છું. સ્વિટ્ઝરલેન્ડ પણ જઈ આવી છું. હવે કશે જવું નથી! બીજાંને તકલીફમાં નથી મૂકવાં!’

શાલિનીતાઈનો જન્મ ઈ.સ. ૧૯૧૭માં જૂનાગઢના દિવાનને ઘેર. ગુજરાતી ચાર ચોપડી જૂનાગઢમાં ભણ્યાં, થોડુક મરાઠી કોલ્હાપુરમાં ભણ્યા. પંદર વર્ષની વયે એમનું લગ્ન થયું. એમના પતિ સુશિક્ષિત અને ગાંધીજીના રંગે રંગાયેલા. એમના પતિનું પ્રોત્સાહન એમને સતત મળતું રહ્યું, એટલે એમણે રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવા માંડ્યો. પિકેટિંગ કરવા જતાં. ખાદીની ફેરી કરતાં. કોગ્રેસનું અધિવેશન હોય, મીટિંડ હોય, ત્યારે તેવો વોલન્ટિયર તરીકે સેવા આપતાં. ૧૯૪૩માં તેઓ ગામદેવીમાં ‘સેવાસદન’ સંસ્થાની નજીક રહેવા આવ્યાં. ‘સેવાસદન’માં એમણે અંગ્રેજી અને સીવણ શીખવા માંડ્યું.

સીવણ-ભરતગૂંથણનો એમને શોખ હતો, એટલે ઘેર જાતજાતની પર્સ, બટવાઓ, થેલી, ગોદડીઓ ટેબલમેટ્સ વગેરે બનાવે અને પોતાના ઓળખીતાઓને પ્રેઝન્ટ આપે. એમના પતિએ એમને એક દિવસ કહ્યું :

‘તું તારી બનાવેલી ચીજો વેચે અને એ પૈસા કોઈ સંસ્થાને દાનમાં આપે તો કેવું!’ બસ! પછી તો થઈ રહ્યું. કામ શરૂ થઈ ગયું. પોતે જાતજાતનું બનાવે, વેચે પણ એક પાઈ પણ પોતાની પાસે રાખે નહિ. સંસ્થાને આપી દેવાનું! આમ એમનો શોખ એમને સમાજસેવા તરફ લઈ ગયો.

શારદામંદિર શાળાને જો કોઈ વસ્તુની જરૂર હોય - ખુરશી, ટેબલ, સ્પીકર્સ, ચીજ વસ્તુઓ મૂકવા માટેના સ્ટેન્ડ કે વાસણો એ બધું શાલિનીતાઈ મેળવી આપે! ‘સેવાસદન’માં તો એમની મદદ હોય જ. આર્ય મહિલા સમાજમાં તેઓ પચ્ચીસ વર્ષ કામ કરતાં રહ્યાં પુણેના હિંગણે આશ્રમને ભાઈબીજ નિમિત્તે રકમ એકઠી કરીને મોકલે જ. હમણાં થોડા સમય પહેલાં જ એમના વતન કોંકણના મુરાર ગામની સાળા માટે એમણે પચ્ચીસ હજાર રૂપિયા દાનમાં આપ્યા. અત્યાર સુધીમાં એમણે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલું ડોનેશન જુદી જુદી સંસ્થાઓને મેળવી આપ્યું છે.

શાલિનીતાઈ ઘણું ઓછું ભણ્યાં છે પણ વાંચનનો એમને ભારે શોખ છે. જીવનચરિત્રો વાંચવા એમને બહુ ગમે છે. મહાત્માં ગાંધીજીના વર્ધા આશ્રમમાં આઠ-દસ દિવસ રહેવાની એમને તક મળતી હતી ત્યારે તેઓ વિનોબાજી, દાદા ધર્માધિકારી વગેરે કાર્યકર્તાઓના સંપર્કમાં આવ્યાં હતાં.

નામસ્મરણ અને જ્ઞાનેશ્વરી એમને આંતરિક શક્તિ અને આત્મવિશ્વાસ આપતાં રહ્યાં છે. સમસ્યાઓ તો જીવનમાં આવવાની જ પણ આ ઉંમરે એમને કશો ખેદ નથી ખંત! સંતોષ છે, તે બરાબર છે. પ્રભુએ જે આપ્યું છે, જે કર્યું છે તે બરાબર છે એવી એમની ઊંડી શ્રદ્ધા છે.

આટલું લાંબુ આયુષ્ય આપ્યું, સ્વાસ્થ્ય આપ્યું તે એની કૃપા જ ને! એટલે તો હજી લાકડીની જરૂર નથી પડતી અને હાથ મશીન પર ચાલતા રહે છે.

વૃક્ષોની ઘટામાંથી ઊંચે આવતાં સૂર્યને નિહાળતાં તેઓ કહે છે : ‘મારે આ જોઈએ અને તે જોઈએ- આમ કેમ થયું અને તેમ કેમ ન થયું’ એવો ચિત્તમાં કોઈ ઉદ્વેગ, અફસોસ કે સંઘર્ષ નથી.

‘શાલિનીતાઈ! તમારે કોઈને કંઈ પણ સંદેશો આપવાનો હોય તો તમે શું આપો? જીવનમાંથી તમને શું સાંપડ્યું છે?’

મને કહે, ‘જયવતીબહેન! ઈશ્વરમાં શ્રદ્ધા જોઈએ. નામસ્મરણ ચાલુ રાખો. તમારી કંઈ ભૂલ હોય તો એ સ્વીકારો. એની જવાબદારી લો. વધુ પડતી અપેક્ષાઓ-પોતાની જાત પાસેની અને અન્ય લોકો પાસેની દુઃખનું મૂળ છે. કોઈ આપણે માટે કંઈ કરે તો સારું, ન કરે તો માની લેવું કે એની મજબૂરી હશે. અહં છોડો મને આણે માન ન આપ્યું - મારી સાથે બરાબર વાત ન કરી - આ બધું ભૂલી જાવ. આપણી ખુશી, આપણી શાંતિ અને આપણું સુખ આપણે પોતે જ નિર્માણ કરવાનું છે. મારા ગુરુજી પાસેથી હું જે શીખી છું તે તમને કહું :

આનંદી, આત્મવિશ્વાસુ, સદાચારી સદા સુખી!

‘હવે તમારી કોઈ ઈચ્છા છે?’

‘જયવતીબહેન! હવે શું ઈચ્છા હોય! આપને આમ હાલતી-ચાલતી-કામ કરતી રહું અને ભગવાન ઉપર બોલાવી લે.’

શાલિનીતાઈ ઘેર જવા માટે ઊઠ્યા. થોડી જ વારમાં એમણે એ સુંદર પ્રભાતે જીવનની ઢળતી સંધ્યાને અજવાળી કરવાની સુવર્ણ ચાવી મને બતાવી હતી.

(શ્રી જયવતીબહેન કાજીઃ જાણીતાં સાહિત્યકાર અને કોલમિસ્ટ


રૂપાળાં મઝાના બાળકો યુવકો કુદરતનું આકસ્મિક સર્જન છે, જ્યારે રૂપાળાં મઝાનાં વડીલો એ તો કલાનો નમૂનો છે.

જે માણસે માત્ર આનંદ પ્રમોદને જ પોતાનું લક્ષ્ય રાખ્યું હોય એને વૃદ્ધાવસ્થા નડે એ સ્વાભાવિક છે. મેં મારા જીવનનાં લક્ષ્યો નક્કી કરેલાં. એ એટલાં ઊંચા હતાં કે આજે પણ મને એ દોર્યા કરે છે.

પોતાની શક્તિઓના ઉપયોગ માટે કાંઈક પ્રવૃત્તિ તો જોઈએ જ. મને આ વાતનો ખ્યા પહેલેથી આવી ગયેલો. એટલે જ વૃદ્ધાવસ્થાનો થોડોય સ્પર્શ હજી લગી મને થયો લાગતો નથી. જેઓ જીવનનો સાચો આનંદ અનુભવી શકે છે, ને જે પોતાના મનગમતા કાર્યની મજા માણી શકે છે એમને વૃદ્ધાવસ્થા કાંઈ શકતી નથી.
- બર્નાલ્ડ રસેલ